રસાયણવિજ્ઞાન કેટલાક NEET ઉમેદવારો માટે એક ડર સમાન છે, તો મોટાભાગના ઉમેદવારો માટે તે આનંદદાયક વિષય છે.

રસાયણવિજ્ઞાનમાં નિપુણતા મેળવવા માટે તમારે ગોખણપટ્ટી, સંખ્યાત્મક દાખલા ઉકેલવાની ક્ષમતા, તાર્કિક વિચારસરણી અને વિવિધ પ્રકરણો વચ્ચે સંબંધ સ્થાપિત કરવામાં સારા હોવું જરૂરી છે.

રસાયણવિજ્ઞાન જીવવિજ્ઞાન જેવું નથી, જ્યાં તમે અગાઉના પ્રકરણને જાણ્યા વિના પણ આગળનું પ્રકરણ સમજી શકો (મોટાભાગના કિસ્સાઓમાં). ભૌતિકવિજ્ઞાનમાં પણ અમુક એકમો સ્વતંત્ર હોય છે જે વ્યક્તિગત રીતે તૈયાર કરી શકાય છે (જેમ કે આધુનિક ભૌતિકવિજ્ઞાન માટે તમારે તરલ યંત્રશાસ્ત્રના જ્ઞાનની જરૂર નથી, પરંતુ ત્યાં તમારે રસાયણવિજ્ઞાનની જરૂર પડશે).

રસાયણવિજ્ઞાન ૩ ભાગોમાં વહેંચાયેલું હોવાથી, દરેક ભાગ માટે એક અલગ વ્યૂહરચના જરૂરી છે.

1. ભૌતિક રસાયણવિજ્ઞાન:  

રસાયણવિજ્ઞાનનો આ ભાગ ઘણો સ્કોરિંગ છે કારણ કે આ ભાગમાંથી સરળ સંખ્યાત્મક દાખલા પૂછવામાં આવે છે અને ભૌતિકવિજ્ઞાનથી વિપરીત, આ દાખલાઓ ફક્ત એક જ ખ્યાલ પર આધારિત હોય છે (ભાગ્યે જ તમને NEET માં ભૌતિક રસાયણવિજ્ઞાનમાંથી કઠિન દાખલા જોવા મળશે).

NCERT: ભૌતિક રસાયણવિજ્ઞાનના મોટાભાગના પ્રકરણો માટે, તમારે તેને ફક્ત એક કે બે વાર સંપૂર્ણ વાંચવાની જરૂર છે, ત્યારબાદ ફક્ત તે પ્રકરણના મહત્વપૂર્ણ મુદ્દાઓ પર નજર ફેરવી લો, તે પૂરતું રહેશે. ધોરણ 12 ના ભૌતિક રસાયણવિજ્ઞાનના પ્રકરણો માટે તમારે NCERT ને ઘણી વાર વાંચવાની જરૂર છે કારણ કે તે પ્રકરણો વધુ સૈદ્ધાંતિક છે.

NCERT ના ઉદાહરણો અને સ્વાધ્યાય: તેમને ઉકેલવા ખૂબ જ મહત્વપૂર્ણ છે કારણ કે તમને NEET માં સમાન પ્રશ્નો જોવા મળશે, ક્યારેક તો તેઓ બેઠો પ્રશ્ન પણ પૂછી લે છે.

બાકીના પ્રશ્નોની પ્રેક્ટિસ માટે તમે કોચિંગ મોડ્યુલ, NCERT અને NCERT એક્ઝેમ્પ્લર પર આધાર રાખી શકો છો. (આ સિવાય તમે પાછલા વર્ષોના JEE Mains ના પ્રશ્નોની પણ પ્રેક્ટિસ કરી શકો છો).


2. અકાર્બનિક રસાયણવિજ્ઞાન: 

સમગ્ર અકાર્બનિક રસાયણવિજ્ઞાનમાં મર્યાદિત સંખ્યામાં ખ્યાલો છે. એકવાર તમે તેમને સારી રીતે સમજી લો, પછી તમે કન્સેપ્ટ આધારિત પ્રશ્નો સરળતાથી હલ કરી શકો છો, જ્યારે તથ્યો પર આધારિત પ્રશ્નો માટે તમારે NCERT સંપૂર્ણ રીતે વાંચવાની જરૂર છે.


3. કાર્બનિક રસાયણવિજ્ઞાન:  

રસાયણવિજ્ઞાનનો સૌથી રસપ્રદ ભાગ ચોક્કસપણે ઓર્ગેનિક છે. તેમાં ઘણા બધા ખ્યાલો છે, એકવાર તમે તેમને સમજી લો, પછી ઓર્ગેનિક તમારા માટે ખૂબ જ સરળ બની જશે.